દાદરા નગર હવેલીના સાયલી ગામે નહેર નજીક કીચડમાંથી અજાણી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી છે.અંદાજિત 25 વર્ષિય યુવતિની ઉંમર છે,તેના બંન્ને હાથ પાછળની તરફ બાંધી તેની હત્યા કરવામાં આવી તેવું દેખાઇ આવતાં સેલવાસ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સાયલીની નહેર નજીકથી અજાણી યુવતિની લાશ મળી આવતાં સમગ્ર પંંથકમાં ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગત અનુસાર સાયલી ગામના સ્થાનિક નહેર તરફ જતાં, તેને નહેરની આસપાસ આવેલ ઝાળિઓમાં કીચડની અંદર પડેલી એક લાશ જોવા મળી હતી.આ જોઇ સ્થાનિક ગભરાઇ જતાં તાત્કાલિક ધોરણે પોલીસને ફોન કરી જાણ કરવામાં આવી હતી. તેથી સાયલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ સાથેની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસ કરતા કોઈ અજાણી યુવતી જેની અંદાજિત ઉંમર 25 વર્ષ હોવાનું જાણવા મળ્યું, અને તેણીના શરીરે કાળા કલરનું જીન્સ પેન્ટ અને બ્લ્યું કલરની ટીશર્ટ પહેરેલી જોવા મળી હતી. અને તેના બંન્ને હાથ પાછળની તરફ બાંધેલા જોવા મળ્યાં હતા. પોલીસે લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.દાનહ પોલીસે આ ઘટનામાં યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકા જતાં આગળની તપાસ હાથ ધરી છે.