જિલ્લા કલેક્ટરે નિયમોનું પાલન ન કરે તેના વિરુદ્ધ સંબધિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સુચના આપી
પંચમહાલ જિલ્લામાં ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી માટે જિલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે જિલ્લાના સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે મોલ, માર્કેટ, બહુમાળી કોમર્શિયલ કે રેસિડેન્સિયલ બિલ્ડીંગ, કોચિંગ ક્લાસ, હોસ્પિટલ, શાળા/કોલેજ, પ્લે હાઉસ, સિનેમા વગેરેમાં ફાયર એન.ઓ.સી, ફાયર પ્રોવિઝન તેમજ બી.યુ પરમિશન અને એપ્રુવ પ્લાન વગેરે નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને જ્યાં આ નિયમોનું પાલન થયું ન હોય તેવી તમામ જગ્યાએ નોટિસ આપવી,સિલ કરવા,પેનલ્ટી અને ફરિયાદ દાખલ કરીને નિયમોનુસાર કાર્યવાહી થાય તે માટે સૂચના આપી હતી.જિલ્લા કલેકટરએ જિલ્લામાં અલગ અલગ ટીમો થકી તમામ સ્થળો પર તપાસ હાથ ધરીને રિપોર્ટ કરવા સબંધિત અધિકારી ઓને સૂચના આપી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-31-at-6.10.28-PM-1024x682.jpeg)
વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના સાધનો ચકાસવા,અલાર્મ સિસ્ટમ અને એન્ટ્રી તથા એક્ઝિટના રસ્તા યોગ્ય છે કે નહિ તે ચકાસવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે, લોકોની જાન માલને નુકસાન થવાની શક્યતાવાળા સ્થળોનું સઘન ચેકીંગ કરવામાં આવે તેમજ સંલગ્ન તમામ લોકો આ બાબતે જાણકાર બને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. કોમર્શિયલ બિલ્ડીંગ કે જ્યાં ફાયર એન.ઓ.સી, બી.યુ પરમિશન સહિત નિયમોનું પાલન નથી થયેલું ત્યાં નોટિસ આપવા જણાવ્યું હતું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનાના પગલે પંચમહાલ જિલ્લા કલેક્ટર ત્વરિત જ તે જ દિવસે જિલ્લામાં આવેલા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવા અમલવારી કરાવી હતી.જિલ્લામાં વિવિધ મોલ અને સાઇટને સિલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે અન્ય બિલ્ડીંગમાં પણ તમામ નિયમોનું પાલન થાય તેવા હેતુથી આજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી.ચુડાસમા,સર્વ પ્રાંત અધિકારી,નગરપાલિકાના ચીફ ઓફીસરઓ,ફાયર વિભાગના અધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલિંકીનો રીપોર્ટ