
દમણગંગા નદીમાં પથરાયેલ ભિલાડની ICIL કંપનીની Effluent Disposal પાઇપલાઇનનું ગંદુ પાણી પાલતુ પશુઓ અને પક્ષીઓ માટે જીવલેણ નીવડી રહ્યું છે. ગામલોકોને પણ થઈ રહ્યા છે ચામડીના રોગ…?
વલસાડ જિલ્લાના ભિલાડમાં માહલા ફળિયામાં આવેલ INDO COUNT INDUSTRIES LIMITED કંપનીની Effluent Disposal પાઇપલાઇનને દમણગંગા નદી પાથરવામાં આવી છે. આ પાઇપલાઇનનો દમણગંગા નદીમાં જ ઈકલારા ગામની હદમાં અંતિમ છેડો છે. જ્યાં દમણ ના દરિયાની ભરતી આવતી હોય એ વિસ્તાર ટાઇડલ ઝોન તરીકે ડિકલેર કર્યો છે. એટલે એફલયુએન્ટ પાઇપલાઇન નો પણ અહીં છેડો આવી ગયો છે. જ્યાં કંપની નું એફલયુએન્ટ જમા થતું હોય એ એફલયુએન્ટ નજીકના ઈકલારા ગામના પશુપાલકોના પશુઓ માટે જીવલેણ નીવડી રહ્યું છે.

આ અંગે સ્થાનિક પશુપાલકે જણાવ્યું હતું કે, હાલમાં જ્યારે આ કંપનીની પાઈપલાઈન ફાટી ગઈ હતી. ત્યારે, તેનું ગંદુ પાણી નદીના શુદ્ધ પાણીમાં ભળી ગયું હતું. જે પાણી પીવાથી પશુઓ બીમાર પડ્યા હતાં. એ ઉપરાંત પાઇપલાઇન ના અંતિમ છેડા આસપાસ જ્યારે જ્યારે કંપનીનું ગંદુ પાણી ગાય ભેંસ પીવે છે ત્યારે તે મૃત્યુ પામે છે. અત્યાર સુધીમાં આવા 10 થી 15 જેટલા પશુઓ મોતને ભેટી ચુક્યા છે.

ગામલોકો માટે પણ આ ગંદા પાણીની દુર્ગંધ અસહ્ય બની રહી છે. પાઇપલાઇનના છેડે ગંદા પાણીને કારણે નદીમાં દલદલ વધ્યું છે. જેમાં ક્યારેક ગાય ભેંસ જાય છે તો તે ફસાઈ જાય છે. જેને બહાર કાઢવા પાણીમાં ઉતરવું પડે છે. ત્યારે, આ ગંદા પાણીને કારણે પગમાં સડો અને ચામડીના રોગ થાય છે.

આ સ્થળે કંપનીઓના આ ગંદા પાણી અંગે GPCB ને પણ રજુઆત કરી છે. પણ કોઈ ગામલોકોની સમસ્યા સાંભળતું નથી. કંપની સંચાલકો પણ અહીં આ ગંદા પાણીમાં કોઈ ઉતરે નહિ, પશુઓને આ પાણી પીવડાવે નહિ તેવું એક સુચનનું બોર્ડ પણ લગાવતા નથી. ગંદા પાણીને કારણે નદીના આ પાણીમાં પક્ષીઓ પણ આવતા નથી. આસપાસનું ઘાસ પણ મુરઝાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ આ કંપનીની આ પાઈપલાઈન ફાટી ગઈ હતી. ત્યારે, મોટી માત્રામાં કંપનીનું એફલયુએન્ટ દમણગંગા નદીમાં ભળી ગયું હતું. જે અંગે GPCB એ જાણે માત્ર સેમ્પલ લઈ સંતોષ માન્યો હોય તેમ આગળની કોઈ કાર્યવાહી કરી નથી. જ્યારે, આ ગંભીર ઘટના બાદ પણ છેક ચારેક દિવસે કંપનીએ પાઇપલાઇન નું મરામત કર્યું હતું. તો, આ અંગે કંપની સંચાલકો પણ કંપનીમાં 8 હજાર લોકોને રોજગારી આપતી હોવાના બણગાં ફૂંકી જાણે પશુ-પશુઓ અને ગામલોકો પડતી હાલાકી માટે કંપની જવાબદાર હોય તેમ બેફિકરભર્યું વલણ દાખવી રહી છે.