ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડની હાલત અત્યંત બદતર બની ગઈ છે. આ રસ્તો છેલ્લા 20 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને હજુ સુધી યોગ્ય રીતે નહીં બની શક્યો. બાયપાસ રસ્તાઓ પર મોટા મોટા ખાડા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગથી હજારો લોકો રોજ અવરજવર કરે છે, અને સરીગામ જીઆઇડીસીથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે.
SIAના પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટે અગાઉ PMO, CMO સહિતના સંબંધિત વિભાગોને રજૂઆત કરી હતી, પરંતુ નબળી નેતાગીરી અને અધિકારી રાજના કારણે સ્થિતિમાં કોઇ ફેરફાર નથી આવ્યો. જર્જરિત રસ્તાઓના કારણે પ્રજા ત્રાહિમામ પોકાર ઉઠી છે, અને સ્ટીલના સળીયા દેખાતા સ્પષ્ટ થાય છે કે માત્ર ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે.સ્થાનિક નાગરિક કુંજન ઓઝાએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હવે પ્રજાને જાગૃત થવું પડશે અને ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડશે. વારંવાર મીડિયામાં અહેવાલો પ્રસારિત થવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. આ ખાડાઓમાં જો કોઈ વાહન ચાલકનું જાન જાય તો જવાબદાર કોણ?
વાપીથી આલમ શેખનો રીપોર્ટ