વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.સ્થાનિકોની નજર પડતાં જ લોકો સ્થળ પર દોડી આવીને અકસ્માતમાં ઘવાયેલાની મદદે આવી પહોચ્યાં હતાં. ત્રણ વાહન ચાલકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યાં હતા.ઘટનામાં નેવરી ગામની જ બે મહિલાઓના અકસ્માતમાં મોતને પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.
પારડીના નેવરીના સડક ફળિયા નજીકથી પૂર ઝડપે પસાર થયેલા એક પીકઅપ જીપે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી રિક્ષાને ટક્કર વાગતા જ રીક્ષા ટેમ્પો સાથે અથડાઈ હતી. આમ એક પછી એક ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર નેવરી ગામની જ બે મહિલાઓ અને એક કપરાડાના એક યુવકનું કરુણ મોત નિપજયું હતું. જ્યારે રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો .આ ઘટનામાં અકસ્માત સર્જ્યા બાદ પીકઅપ ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતાં જ ગામના લોકો એકઠા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા જ પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતમાં નેવરી ગામની રાજુબેન અરવિંદભાઈ પટેલ અને સુરેખાબેન ઉત્તમભાઈ પટેલ નામની બે મહિલાઓ અને કપરાડાના બારપૂડા ગામના લલિત સંજય બડગર નામના યુવકનો મોત નિપજયું હતું. અકસ્માતના ઘટના સ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. એક સાથે ત્રણ લોકોના અકસ્માતમાં મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પારડી પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ પિકઅપ જીપ ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ