ઉમરગામ રોડ પર આવેલ રેલવે ઓવર બ્રિજ પર લટકતા ટીવી કેબલો અને રેલવે ઓવર બ્રિજ નીચે લારીઓવાળાઓએ ખાણીપીણીની લારીઓ લગાવીને તેમજ કેટલાક અન્ય વાહનચાલકોએ પોતાના વાહનો પાર્ક કરીને અતિક્રમણ કર્યું છે. જેને કારણે કોઈ મોટું જોખમ ઉભું થઈ શકે છે. એ ધ્યાને રાખી DFCCILના અધિકારીએ સતર્કતા દાખવી આ અતિક્રમણ વહેલી તકે દૂર કરવા ઉમરગામ પોલીસમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદને લઈ ગેરકાયદેસર ટીવી કેબલ પસાર કરનારા અને ROB નીચે અતિક્રમણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/IMG-20240626-WA0011-2-1024x576.jpg)
ટીવી કેબલ ઓપરેટરો ઉમરગામ રોડ (રેલવે) ઓવરબિજ પરથી ટીવી કેબલો લઈ ગયાં હતાં. આ બાબત મીડિયામાં ઉછળી હતી. જેની જાણ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિ. (DFCCIL) મુંબઈનાં અધિકારીઓને થતાં એમની ટીમે સ્થળ નિરિક્ષણ કર્યું હતું. સદર નિરિક્ષણમાં રોડ (રેલવે) ઓવરબ્રિજ નીચે રાઈટ ઓફ વે ની જગ્યામાં રેલવેની ટીમને અતિક્રમણ ધ્યાને ચડ્યું હતું. જેને પગલે, DFCCIL એ, કાયદેસરની ચેતવણીરૂપ કાર્યવાહી હાથ ધરી હતી. એ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, LC ગેટ નં. 66 પરથી પસાર થતો ઉમરગામ રોડ (રેલવે) ઓવરબ્રિજ પર પરવાનગી વિના ટીવી કેબલો પસાર થયાં છે. જે રેલવે માટે જોખમ ઊભું કરે છે. કારણ કે, IR (ઈન્ડિયન રેલવે) અને DFC (ડેડીકેટેડ ફેટ કોરીડોર) માટે 24×25 KV વોલ્ટેજ વહન કરતાં OHE (ઓવરહેડ ઈક્વિપમેન્ટ) કેબલ્સ, રોડ (રેલવે) ઓવર બ્રિજની નીચેથી પસાર થાય છે. આ ટીવી કેબલો IR અને DFCડીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોખમ ઉભું કરી શકે તેવી પુરી સંભાવના છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/IMG-20240626-WA0004-1024x576.jpg)
સંભવિતપણે તે જોખમી ઘટનાઓ તરફ દોરી શકે છે, અને ટ્રેનની કામગીરીમાં વિક્ષેપ લાવી શકે છે. જેથી, તાત્કાલિક આ અનધિકૃત કેબલ્સને દૂર કરવા માટે DFCCIL એ ઉમરગામ પોલીસને આ મામલે હસ્તક્ષેપની વિનંતી કરી હતી. વધુમાં, ડીએફસીસીઆઈએલએ એવું પણ જણાવી ચિંતા વ્યક્ત કરી હતી કે, રોડ (રેલવે) ઓવરબ્રિજ નીચે ROW (રાઈટ ઓફ વે) માં અસંખ્ય અનધિકૃત ભારે વાહનો પાર્ક થયેલાં જોવાં મળ્યાં છે, જે અતિક્રમણના મુદ્દામાં વધારો કરે છે. તથા શાકભાજી, ખાણીપીણી અને ફેરીવાળાઓએ ઓવરબ્રિજ નીચે બજાર વિકસાવી જમીન પર અતિક્રમણ કર્યું છે. જેણે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે.DFCCILએ આરપીએફ સ્ટાફ (વલસાડ યુનિટ) પણ ઉમરગામ રોડ (રેલવે) ઓવરબ્રિજનું તમામ નિરીક્ષણ કરી ગઈ હતી. હાલમાં, ટીવી કેબલ ઓપરેટરોએ ક્રોસ ઓવર ટીવી કેબલ દૂર કરવા શરૂ કર્યા છે. ઓવરબ્રિજ નીચેનાં તમામ અતિક્રમિતોને 3 દિવસની અંદર તેમનાં દ્વારા કરાયેલા અતિક્રમણને દૂર કરવા ચેતવણી આપવામાં આવી હતી. જેને પગલે ઉમરગામ રોડ (રેલવે) ઓવરબિજ નીચેનાં અતિક્રમિત શાકભાજી, ખાણીપીણી અને ફેરીવાળાઓએ પણ જગ્યા ખાલી કરવાંનું શરૂ કર્યું છે.ઉલ્લેખનીય છે કે, ઉમરગામ GIDC, નોટીફાઇડ, સોળસુંબા, દહાડ વિસ્તારોનાં વીજ થાંભલાઓ પરથી પસાર થતાં, તથાં લટકતાં ટીવી કેબલોનાં કારણે વીજ પુરવઠો તથાં વીજ લાઈનોમાં જોખમ ઉભું થઈ રહ્યું છે. પરંતુ ટીવી કેબલ ઓપરેટરોની લાંબી રાજકીય પહોંચને કારણે વીજ અધિકારીઓ અને કર્મચારીઓની શક્તિ વામણી સાબિત થતી હતી. એક સમયે ડીજીવીસીએલ, ઉમરગામ કચેરીનાં કાર્યપાલક ઈજનેર, જે એ ભંડારીએ, આ કેબલ ઓપરેટરોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું હતું. એમણે ઉમરગામ GIDC, નોટીફાઇડમાં આવેલાં વીજ થાંભલાઓ પરથી પસાર થતાં ટીવી કેબલોને કાપી નાંખવા એમની કચેરીનાં કર્મચારીઓને આદેશ કર્યો હતો. પરંતુ એમાં જીલ્લા પંચાયતનાં એક પદાધિકારી અને રાજકીય નેતાંની દખલના પરિણામે કામગીરી પર બ્રેક લાગી છે. એ કામગીરી પણ DGVCL કોઈની શેહ શરમ રાખ્યા વિના પુરી કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ