ઉમરગામ તાલુકાના ધોડીપાડા ધારાસભ્યના નિવાસ્થાને શુક્રવારે સાંજે સરપંચો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નિયમની આડમાં મનસ્વી રીતે વહીવટ કરનાર અધિકારી સામે કેટલાક સરપંચ અને ઉપસરપંચોએ નારાજગી વ્યક્ત કરી
ફરિયાદ કરી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટી અધિકારી ની વર્તણુકને કારણે સરપંચોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સાથે જ વહીવટ સંદર્ભે પણ મનસ્વી વર્તણુકને લઈ તાલુકામાં ભારે ચર્ચા છે.
ધારાસભ્ય રમણલાલ પાટકરે સરપંચોની રજૂઆત બાદ અધિકારીની કામગીરી સામે નારાજગી દર્શાવી આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ મુખ્યમંત્રીને રજૂઆત કરી અધિકારીની બદલી કરાવવા માટે સરપંચોને ખાતરી આપી હતી. તાલુકા પંચાયતમાં વહીવટ સંદર્ભે ખુદ તાલુકા પંચાયતના હોદ્દેદારોની સ્થિતિ ના રહેવાય કે ન કહેવાય જેવી થઈ છે. તાલુકાના હોદ્દેદારો દ્વારા પણ સરપંચોના સૂરમાં સૂર પુરાવી અધિકારીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્ય રમણલાલ પાટકરના સરળ સ્વભાવનો તાલુકાના અધિકારીઓ ગેરફાયદો લેતા હોવાનું બેઠકમાં ઉપસ્થિત સરપંચોમાં ચર્ચાઈ રહ્યું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ