રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ ટીમની નજર સિમેન્ટના પોલ પર પડતાં મોટી દુર્ઘટના ઘટતાં ટાળી
વલસાડ-મુંબઈ રેલવે રૂટ પર વાપીના બલીઠા ફાટક પાસે ગતરાત્રિએ કોઈ અજાણ્યા શખ્સે ટ્રેક પર સિમેન્ટનો પુલ મૂકીને ટ્રેન ઉથલાવી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ચકચાર મચી છે. રાત્રિના સમયે રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ કરી રહેલી ટીમને ટ્રેક પર પડેલો સિમેન્ટનો પોલ ધ્યાનમાં આવતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ટ્રેક પર આવી રહેલી માલગાડીને રોકી દેવામાં આવી હતી. રેલવે કર્મચારીઓની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને જોતા મુંબઈથી રેલવેના ઉચ્ચ અધિકારી વલસાડ દોડી આવ્યા હતા. આ બનાવ કઈ રીતે બન્યો તેને લઈ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં રેલવે કોરિડોરની ગુડ્ઝ લાઈનની વિવિધ કામગીરી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. રેલવે કોરિડોરની લાઈનનું વડાપ્રધાને લીલી ઝંડી આપી રેલવે કોરિડોરની લાઈનની શરૂઆત કરી હતી. ત્યારથી લાઈન ઉપર માલગાડી ટ્રેનો દોડતી કરી દેવામાં આવી છે. રેલવે કોરિડોર લાઈન ઉપર હાલ ઈલેક્ટ્રિક લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમિયાન રેલવે કોરીડોર લાઇન ઉપર રેલવે કિલોમીટર 173 ના પોલ ન. 19 અને 17 વચ્ચે કોઈ અજાણ્યા ઈસમોએ નજીકમાં લાગેલો રેલવે પોલ ત્યાંથી લાવીને રેલવે કોરિડોરની અમદાવાદ-મુંબઈ લાઇન ઉપર મૂકીને જતા રહ્યા હતા, રેલવે કોરિડોરની વીજ લાઈનનું કામ કરતા કામદારના ધ્યાને આવતા તાત્કાલિક કોન્ટ્રાક્ટર અને રેલવે વિભાગના આધિકારીઓ ઘટનાની જાણ કરી હતી. જેથી રેલવેના અધિકારીઓ રાત્રે ટેક્નિકલ સ્ટાફ GRP અને RPF સહિત રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થયા હતા. રેલવે ટ્રેક ઉપર વીજ લાઈનનું કામ કરતા કારીગરના ધ્યાને આવતા મોટી દૂર્ઘટના થતા ટળી હતી. ઘટનાને લઈને રેલવે અધિકારીઓએ તાત્કાલિક RPF અને GRPની ટીમને ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યાં છે. ઘટના સ્થળની મુલાકાતે આવેલા DRM નીરજ વર્માએ જણાવ્યું કે, ગત રાત્રી દરમિયાન અમદાવાદ-મુંબઈ ટ્રેક ઉપર કોઈએ સિમેન્ટનો પુલ મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને RPF અને GRP તેમજ રેલવે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ ઘટના ક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો. નજીકમા રેલવે કોરિડોરની કામગીરી પણ ચાલી રહી છે. તેના શ્રમિકોને પણ પૂછવામાં આવશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ