વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં ઝેરી પ્રદૂષિત પાણી રસ્તા પર છોડવામાં આવી રહ્યા હોવાના સમાચાર મળ્યા છે. સરીગામ જીપીસીબી (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ને મળેલી ફરિયાદને આધારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, ઝેરી પ્રદૂષિત પાણીના નમૂનાઓ લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, સરીગામ જીઆઇડીસી કેમિકલ ઝોનમાં રોડ નંબર 32 પર આવેલી સિયારા ઈન્ડસ્ટ્રીઝ, ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ અને ઉદિત કેમિકલને જીપીસીબી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

જીપીસીબી અધિકારીઓએ તાત્કાલિક કામગીરી હાથ ધરતા નમૂનાઓ લઈ ઉપલી કચેરીઓમાં જાણ કરી છે. કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં ઝેરી પ્રદૂષિત પાણી છોડવાથી તે વરસાદી પાણીમાં મિક્સ થઇને નજીકના કેનાલમાં જઈ રહ્યું હતું, જે માનવજીવન, જળ અને જમીન માટે ખૂબ જ ઘાતકી સાબિત થઈ શકે છે. જીપીસીબી અને એસઆઈએ (સરીગામ ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશન) દ્વારા પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. તેમ છતાં, આ પ્રકારના કિસ્સાઓને કારણે સરીગામ જીઆઇડીસીના નામ પર દુષ્પ્રભાવ પડી રહ્યો છે. અમુક ઉદ્યોગો વરસાદની રાહ જોઈને કેમિકલ છોડવાનો ઈરાદો ધરાવે છે, પરંતુ GPCB દ્વારા ઉપલી કચેરીની કડક કાર્યવાહી આ કિસ્સામાં દાખલા રૂપ બની શકે છે. GPCBની આ કાર્યવાહીથી અન્ય ઉદ્યોગો જાહેરમાં કેમિકલ છોડવાનું બંધ કરશે, અને પર્યાવરણના રક્ષણ માટે સકારાત્મક પ્રદાન કરશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ