વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવરાત્રી ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. આગામી સમયમાં દિવાળીના પણ તહેવારો શરૂ થઈ રહ્યા છે. આથી વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ એલર્ટ મોડ પર છે. દિવાળીના તહેવારો દરમિયાન ચોરી લૂંટ જેવી ગુનાહિત ઘટનાઓમાં વધારો થાય છે .જેને રોકવા વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ પ્રયાસમાં લાગી છે. જેના ભાગરૂપે પોલીસ દ્વારા વાપીમાં વિવિધ વેપારી સંગઠનો અને દુકાનદારો અને નાણાકીય વ્યવહાર કરતા સંસ્થાઓના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવી હતી .જેમાં વાપી અને આસપાસના વિસ્તારમાં નાણાકીય વ્યવહાર કરતી બેંક ,આંગડિયા પેઢીઓ ,અન્ય ફાયનાન્સ પેઢીઓ, વેપારી એસોસિએશન ,જ્વેલર્સ એસોસિએશન સહિતના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના પોલીસ અધિકારીઓએ દુકાનદારો અને વેપારીઓ સાથે બેન્ક કર્મીઓને પણ આ તહેવારો દરમિયાન સતર્કતા દાખવવા સૂચન કર્યા હતા.
તહેવાર દરમિયાન બજારોમાં ભીડ વધી જાય છે .આથી આવી ભીડભાડ વાળી બજારો અને દુકાનોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતી ચોર અને ખિસ્સા કાતરું ટીમ સહિતની ગેંગ સક્રિય થઈ ભીડનો લાભ લઈ અને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપે છે. આવા ગુનાઓને અટકાવવા પોલીસ આ વખતે અત્યારથી જ પ્રયાસમાં લાગી છે. આ બેઠકમાં ઉપસ્થિત જ્વેલર્સ અને અન્ય વેપારી સંગઠનોને પોલીસે તહેવારો દરમિયાન ગુનાઓને અટકાવવા તેમનો પણ સહયોગની અપીલ કરી હતી. દુકાનોમાં અને પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓના રેકોર્ડ રાખવા સહિત આસપાસના વિસ્તાર અને દુકાનો અને ઓફિસોમાં બેંકોમાં સીસીટીવી કેમેરા લગાવવા સહિત સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા રાખવા માટે સૂચનો કર્યા હતા. તો ઉપસ્થિત વેપારી અને અન્ય પેઢીના અગ્રણીઓએ પણ પોલીસને સહયોગની અપીલ કરી હતી અને તેમના તરફથી પણ પોલીસને જરૂરી પગલાં લેવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ