વાપી નગરપાલિકાએ ચોસાસામાં શહેરીજનોને પડતી તકલીફો દુર કરવા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી

શહેરીજનોને ચોમાસાને લઇ કોઇ તકલીફ ન પડે માટે જૂન મહિનાના અતે કામગીરી પૂર્ણ કરવામાં આવશેઃચીફ ઓફિસર કોમલ ઘીનૈયા

વાપી નગરપાલિકાએ ચોમાસાની તકલીફોથી શહેરીજનોને રાહત અપાવવા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી છે. પાલિકાએ તમામ વોર્ડમાં ગટરની સાફ સફાઈ, રસ્તાઓની મરામત, જોખમી ઇમારતોને ખાલી કરાવવાની, જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની તેમજ ગરનાળામાં સમયસર પાણીનો નિકાલ થાય તે માટે મોટર રીપેરીંગ સહિતના કામ હાથ ધર્યા છે.

ગત વર્ષે ચોમાસા દરમ્યાન લોકોને તકલીફ પડે નહીં તે માટે વાપી નગરપાલિકાએ 43 લાખનો ખર્ચ પ્રિમોન્સૂન કામગીરી પાછળ કર્યો હતો. જો કે તેમ છતાં લોકોએ ચોમાસામાં ભારે હાડમારી વેઠવી પડી હતી. જ્યારે આ વખતે પાલિકાએ 35 લાખના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી છે. લોકોને ચોમાસામાં રાહત આપવાના સંકલ્પ સાથે જૂનના અંત સુધીમાં પ્રિમોન્સૂન કામગીરી આટોપી લેવાની આશા સેવી છે.

આ અંગે વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ઘીનૈયાએ જણાવ્યું હતું કે વાપી નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી આચાર સંહિતા પહેલા વર્ક ઓર્ડર આપી શરૂ કરવામાં આવી હતી. જે હાલમાં જૂન મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે. પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ડ્રેનેજની સાફ-સફાઈ, ગરનાળામાં પાણી ભરાય નહિ એ માટે મોટરનું રીપેરીંગ તેનું મેન્ટેનન્સ, પમ્પિંગ સ્ટેશનની મશીનરીનું રીપેરીંગ, પેનલ વર્ક જર્જરીત અથવા તો જોખમી હોર્ડિંગ્સ ઉતારવા સહિતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે તમામ કામગીરી હાલ પૂર્ણતાને આરે છે. નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન જોખમી ઇમારતો તૂટી પડે અને તે દરમિયાન જાનમાલનું નુકસાન થાય તેવું ધ્યાને લઈ વાપી પાલિકા વિસ્તારમાં આવેલ 11 જેટલી જોખમી ઇમારતોના રહેવાસીઓને નોટિસ આપવામાં આવી છે. એક ઇમારતને સંપૂર્ણ ખાલી કરાવવામાં આવી છે. હાલમાં વોર્ડ નંબર 1, 4, 6, 7, અને 9 માં પ્રિમોન્સૂનની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે બાકીના વોર્ડમાં હાલ કામગીરી યથાવત છે.પ્રિમોન્સૂનની કામગીરીમાં ગત વર્ષે 42 થી 43 લાખ જેવો ખર્ચ થયો હતો. આ વર્ષે 35 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. ગત વર્ષે પાલિકાના ગીતાનગર, રેલવે ગરનાળુ અને અન્ય વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાએ લોકોને ત્રાહિમામ પોકારાવ્યાં હતાં. જેથી આ વર્ષે એ વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેઇનનું કાર્ય પૂર્ણ કરવા સાથે અન્ય ગટરોને, ખાડીઓને પહોળી કરવામાં આવી છે.

વાપીમાં ચોમાસા દરમ્યાન રેલવે ગરનાળામાં પાણી ભરાવાથી ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. છેલ્લા 2 વર્ષથી મુખ્ય રેલવે ઓવર બ્રિજ, અન્ય રેલવે અન્ડરપાસના કામ ચાલી રહ્યા છે. ઇસ્ટ વેસ્ટને જોડવા હાલ ડાયવર્ટ રૂટ અપાયા છે. જેને ધ્યાને લઇ હયાત રેલવે ગરનાળામાં પાણી ભરાય તો તેનો વહેલીતકે નિકાલ કરી શકાય તે માટે વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે. તમામ ડાયવર્ટ રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરાઈ છે. બને તેટલા વહેલા તે તમામ રસ્તાઓનું મરામત કરી લેવામાં આવશે. હાલમાં અપના નગર, મેરીલ, બૂનમેક્સ, ચલા જેવા મુખ્ય માર્ગનું મરામત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસામાં લોકોને રાહત મળશે તેવી આશા સાથે પાલિકાએ ચોમાસાના વરસાદ પહેલા પ્રિમોન્સૂનની તમામ કામગીરી પૂર્ણ કરવાની તાકીદ જે તે એજન્સીને કરી છે. રસ્તા આસપાસ પડી રહેલા કાદવ કીચડથી રસ્તાઓ ખરાબ ના થાય, વાહન ચાલકોને તકલીફ ના પડે તેની તકેદારી માટે પણ જે તે કામની એજન્સીને સૂચના આપી છે. ત્યારે, આ વર્ષે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી કેટલી સફળ રહી તે તો ચોમાસાના વરસાદ બાદ જ જાણવા મળશે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *