વાપી: વાપી-શામળાજી નેશનલ 56 રોડના ખાડાઓમાં અવારનવાર લોકો અકસ્માતનો ભોગ બનતા હોય, સ્થાનિક રહીશો દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આજે આ ખાડાઓમાં વૃક્ષની ડાળીઓ રોપીને અને ખાડાઓની પૂજા કરીને વહીવટી તંત્રનો વિરોધ કરવામાં આવ્યો.
વાપી-શામળાજી નેશનલ 56 રોડ ગયા વર્ષે કરવડથી ખાનપુર સુધી 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. તે વખતે કાર્યપાલક ઇજનેરને પણ જાણ કરવામાં આવી હતી કે આ રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે. સરકાર રોડ માટે ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓની મિલીભગતના કારણે ઘણા નિર્દોષ લોકો આ ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે.ગઈ સામાન્ય સભામાં આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી હતી. છતાં, યોગ્ય રીતે ખાડાઓનું પુરાણ ન થતા ગઈકાલે રાત્રે આ જ ખાડામાં બે વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બન્યા.આજના વિરોધમાં ધારમપુર તાલુકા પંચાયતના આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યું કે જો આ ખાડાઓનું પ્રોપર નિરાકરણ ન કરવામાં આવશે, તો આવનાર દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશેની ચિમકી ઉચ્ચારી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ