
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આવેલ સંઘાડીપાડા ફળિયામાં વર્ષોથી રહેતા અને 7×12 સહિત ખેતીની અને રહેણાંકની જમીનના હક્ક ધરાવતા અદિવાસીઓની જમીનો પર GIDC ના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે જમીન માપણી ની કાર્યવાહી હાથ ધરતા ગામના આદિવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે GIDC ના અધિકારીઓ તરફથી કોઈ વિગતો આપવામાં આવી નથી. પરંતુ જમીન માલિક આદિવાસી પરિવારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અહીં ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટે સરકાર તેમને ધાકધમકી આપી બેઘર કરી રહ્યાં છે. ખેતીની જમીન વિહોણા કરી રહ્યા છે.

ગામલોકોએ જણાવ્યું હતું કે, વલવાડાના સંઘાડી પાડામાં તેમની માલિકીની જગ્યા છે. તે GIDC લેવા માંગે છે. અહીં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો બાપદાદાથી ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જમીનના 7X12ના ઉતારા પણ તેમની પાસે. તેમ છતાં અધિકારીઓ આ જમીન સંપાદન થઈ ચૂકી હોવાની વાત કરી જમીનની માપણી કરી જમીનો છીનવી રહી છે. ગામલોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતુ કે, અમારી એક જ માંગ છે કે અમારે અહીં કોઈ ટ્રાન્સપોર્ટ નગર નથી જોઈતું અથવા કોઈ બહારના વ્યક્તિનો પગ પેસારો નથી જોઈતો. અમે ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ અને અમારે બીજું કંઈ નથી જોઈતું.વલવાડા ગામના આદિવાસીઓનું કહેવું છે કે, GIDC આદિવાસીઓની માલિકીની જમીન લેવા માંગે છે. આ કાર્યવાહીથી અમારો જીવ બળી રહ્યો છે.

આ જમીન જતી રહેશે તો અમે બધા બે ઘર બનીશું સાથે બેરોજગાર પણ બનીશું. ઘરવાળા પાસે નોકરી નથી. ખેતરમાં શાકભાજી અને અનાજ વાવી ગુજરાન ચલાવીએ છીએ. GIDCના અધિકારીઓ પોલીસ સાથે આવી ધાક ધમકી આપી દબડાવી રહ્યા છે. અધિકારીઓ જે માપણી કરે છે તે જમીન પર ખેતી કરીને જ જીવીએ છીએ. માપણી કરવામાં પણ માલિકીની જગ્યામાં ઘૂસી ગયા છે. અમારે બીજાનું નથી જોઈતું અમારે અમારા હકનું અમારી માલિકીની જમીન જોઈએ છે. છેલ્લા 70 વર્ષથી અહીં જીવન ગુજારીએ છીએ. અમારું ભરણપોષણ ખેતી આધારિત છે.

તેમ છતાં GIDC ના અધિકારીઓ જબરજસ્તી જમીનમાં ઘૂસી માપણી કરે છે. તારખૂટા તોડી નાખ્યા છે. આદિવાસીઓનો આક્ષેપ છે કે, નદી કિનારે વસતા અમે આદિવાસીઓ છીએ આ અમારા બાપદાદાની જમીન છે તેમાં જીઆઇડીસી ટ્રાન્સપોર્ટ નગર કે કંપનીઓ લાવવા માંગે છે. અમે આ જમીન પર ખેતી કરીને જીવીએ છીએ જેમાં ડાંગર, કેરીના ઝાડ રોપી ગુજરાન ચલાવીએ છીએ આ જમીનના જ લઈ લેશે તો અમે ક્યાં જઈશું.

ધાકધમકી આપી કમ્પાઉન્ડમાં માર્કિંગ કરી રહ્યા છે જેની સામે અમારો વિરોધ છે. સમગ્ર મામલે આદિવાસી વારલી સમાજના ઉમરગામ તાલુકાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયેશ બરફ જણાવ્યું હતું કે, વલવાડા ગામમાં સાત-બાર ધરાવતા આદિવાસીઓની જમીન કબજે લેવા જીઆઇડીસી દ્વારા માપણી પ્રક્રિયા શરૂ કરી છે. આ બાબતે બે મહિના અગાઉ જ કલેકટર સાહેબને અરજ કરી હતી. કે જે તે સમયે જે જમીન સંપાદન થઈ હતી તે બાદ તેનો જે હેતુ હતો તે મંડાયો નથી. ખેડૂતો હજુ પણ તે જમીન ભોગવટો ધરાવે છે. તો 2013 ના નિયમ પ્રમાણે મૂળ માલિકને જમીન માલિક તરીકે પરત સોંપવી જોઈએ અથવા તો તે જમીન સરકારે સરકાર હસ્તક લેવી જોઈએ. જેને બદલે હવે 70 વર્ષ બાદ જીઆઇડીસી તે કબજો કરવાની વાત કરે છે જેમાં જે જમીન સંપાદન કરેલી તે ડેમમાં જતી રહી છે. ત્યારે, હાલમાં જે જમીન સંપાદન કરવા આવેલા છે તે કઈ જમીન છે? બીજું પહેલા 20 એકર જમીન સંપાદન કરવાની વાત કરી રહ્યા હતાં. હવે 40 હેક્ટર જમીન સંપાદન કરવાની વાત કરે છે. આ બાબતની કલેકટરને અરજ કરતા જીઆઇડીસી માં ચર્ચા કરી છે. પરંતુ કદાચ ચકાસણી માટે ટીમ આવવાની હોય સ્થળ પર જીઆઇડીસી પોતાના તારખૂટા બતાવી શકે તેવા મનસૂબા સાથે આ કાર્યવાહી તાબડતોબ કરી રહ્યા છે. કાયદાકીય પ્રક્રિયા મુજબ જ સરકાર આગળ વધે આ પ્રવૃત્તિ ગેરકાયદેસર છે. તેવું જયેશ બરફે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, હાલ આ મામલે આદિવાસી સમાજમાં રોષની લાગણી ભભૂકી છે. ત્યારે, ટ્રાન્સપોર્ટ નગરની માંગ કરનારા ટ્રાન્સપોર્ટરો શું પોતાના ફાયદા માટે આ આદિવાસીઓને બેઘર કરવાની નીતિ સામે મૌન સેવશે કે પછી આવા ગરીબ ખેડૂતોનું અહિત કર્યા બાદ ટ્રાન્સપોર્ટ નગર માટે મળતી જમીન પર ટ્રાન્સપોર્ટ નગર ઉભું કરશે. એ પણ એક સવાલ છે.
વલસાડ થી આલમ શેખ..