દમણના દલવાડા સ્થિત જય જલારામ ગૌશાળામાં સમોસાની મેંદાની પટ્ટીઓ ખાધા બાદ 56 ગૌવંશના મોત નિપજ્યા હતા, જે ઘટનામાં કડૈયા પોલીસ સ્ટેશનમાં ગૌશાળાના બે સંચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ મેંદાની સમોસાની પટ્ટીઓ જે કંપનમાંથી મંગાવવામાં આવી હતી તે કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
ભીમપોરની કોઈ એક ફૂડ કંપનીમાંથી શુક્રવારના રોજ 25થી 30 ગુણીમાં આશરે 300 કિલોની ઉપર મેંદાની સમોસા પટ્ટીનો જથ્થો ગૌશાળા ખાતે લાવવામાં આવ્યો હતો. જે સમોસા પટ્ટીને આરોગ્યા બાદ બીજા દિવસે શનિવારે અચાનક એક પછી એક ગૌવંશના મોત થયા હતા. પોલીસ ફરિયાદ મુજબ ગાય માટે મેંદો જાનલેવા હોવા છતાં પણ ચારામાં મેળવીને ગાયોને ખવડાવી દેવાયો હતો.પરંતુ આટલી મોટી માત્રામાં મેંદાની સમોસા પટ્ટી મોકલનાર ભીમપોરની જે કોઈ પણ કંપની છે, તેની સામે પ્રશાશન દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરાતા પશુ પ્રેમીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે 56 થી વધુ ગાયોનો ભોગ લેનાર સમોસા પટ્ટીના પણ સેમ્પલ લઈને તેની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ